હું ચોર નથી ..

કાળી ભમ્મર શાલ ઓઢીને રાત્રીએ સોડ લંબાવી લીધી છે. ટમટમતા તારલિયાએ આકાશ ઉપર સામ્રાજ્ય સ્થાપી દીધું છે. રાહદારીઓ હવે ધીમે ધીમે ઘર ભણી જવા લાગ્યા છે. કુતરાઓ એકદમ નિરાંત અનુભવીને રાત પહેરો ભરવા તેનાત છે. દુકાનો વાળા પણ બધે નમન કરીને દુકાનો વધાવીને ઘરે જવા લાગ્યા છે. આથી દુકાનોના શટર અને દરવાજા બિડાવાં લાગ્યા. દુકાનોની લાઈટો બંધ થવાથી હવે તો રોડ પર ફક્ત થાંભલાની લાઈટો જ પ્રકાશ ફેંકતી હતી. એ આછા પ્રકાશમાં એક ઓળો ધીમે ધીમે આવતો હતો. લઘર વઘર દેહ અને ખભા પર મેલો ઘેલો કોથળો છે. બગલમાં એક થેલી છે. હાથમાં એક તૂટી ફૂટી વાંકી ચૂંકી લાકડી છે.
આવીને તે લાઈટના થાંભલાને અડોઅડ આવેલ એક આંબલીના ઝાડ નીચે ઉભો રહી ગયો. નજરને દૂર કરી ને જોયું. બધી દુકાનોના દરવાજા બંધ જોઈને તે આગળ વધ્યો અને એક દુકાનના ઓટલે ગયો. ખભેથી કોથળો ઉતાર્યો; અને ઓટલા ઉપરથી ધૂળ ખંખેરીને કોથળો પાથર્યો. થેલીને એકબાજુ રાખીને તે બેઠો. હજી તો આકાશ સામે જોવા જાય છે કે કોઈએ આવીને તેને ઉભો કર્યો.
“ કોણ છે તું ? ને અહીં કેમ બેઠો છે ચોર સાલા ! ”
“ શેઠજી….તમે ના પાડશો તો ઉઠી ને જતો રહીશ…પણ હું ચોર નથી ”
“ એક તો કોઈની દુકાને ધામાં નાખ્યા છે ને ઉપરથી ….. ” એમ દુકાન વાળાએ કહ્યું કે પેલો ભાઈ તો પોતાનો બધો સામાન ભેગો કરીને હાલતો થયો.
“  ભિખારીને તો વળી ઘર કેવા અને કેવા ઠેકાણા ! ”
“ એક મિનિટ….. ” દુકાન વાળાએ એને ઉભો રાખ્યો. એની વાતમાં કોઈ સત્યતા અને સ્વમાન ઉભરાતા લાગ્યા. પેલો પાછો વળ્યો.
“ જો ભાઈ….ઉંમર પરથી તો વડીલ લાગો છો…જો કાકા…. ”
“ હું તો આ બે વસ્તુનો માલિક છું. આ બે વસ્તુનું ગુમાન નથી અને જાય તો રંજ નહિ રહે ”
“ તમે કોણ છો ? દેખાવ પરથી તો…… ” એના લઘર વઘર દેહ સામે જોઈને દુકાનવાળાએ કહ્યું
“ હા, હું ભિખારી છું…..ભગો ભિખારી ”
“ આપણા દેશમાં જો વગર રૂપિયે ને મહેનતે જલસા કરવા હોય તો ભિખારી બનવું ! ”
“ સાચી વાત છે…..તમે શેઠ છો…તમારી દુકાનનો ઓટલો હું વાપરું છું તો મારાથી જવાબ કેમ અપાય ? ”
“ અરે, ભીખરી કોઈના ગુલામ થોડા હોય…બેસ હું લાઈટ કરું છું ” દુકાન ખોલીને શેઠે લાઈટ કરી. તો ઓટલા પાસે ઉભેલ ભગાનું આછા અજવાળામાં પણ ચમકતું મોઢું દેખાણું. “ કહે, કોણ જાણે મને તારી સાથે વાત કરવામાં રસ જાગ્યો છે…..એક કામ કર, કાલથી મારી દુકાનમાં લાગી જા. ભીખ માંગવાની….હમ…પણ જોકે ભીખ માંગ્યા પછી તો કામ શીદ થાય ! ”
“ હમમમ….ઠીક છે શેઠ, તમે તમારું કામ કરો હું કોઈ બીજી દુકાનના ઓટલે સુઈ રહીશ. ભિખારી છું, મમત શેની ! ” કહીને તે હાલવા લાગ્યો.
“ ભાઈ….ઉભા રહો…તમારી વાતમાં કોઈ વજન છે..કોઈ દમ છે…..અને તમારી આંખોમાં કોઈ વેદના છે. તમે ચાહો તો મને કહી શકો છો. આમ તો….મને જાણવામાં રસ છે ”
“ મારું નામ ભગુ છે, હું બાજુના કારખાનામાં હમાલીનું કામ કરીને ગુજરાન ચલાવતો હતો. નાનપણમાં માબાપનો છાંયો ગયો ને મોટો થયો તો ગરીબી અને મજબૂરી એ ભરડો લીધો. મારા જેવા અનાથ સાથે તો કોણ લગન કરવા તૈયાર થાય ? ” એને વાત કરતા કરતા શ્વાસ લીધો
“ તો….. ..? ”
“ એક અનાથ બાઈને મારા પર લાગણી બંધાઈ..જે વિધવા હતી. પણ મારા જીવનમાં સંસારનું સુખ લખેલું નહોતું. મારી એક કિડની નકામી બની ગઈ અને ડોક્ટરે મને કોઈ પણ સ્ત્રી સાથે સુખ ભોગવવાની ના પાડી. અને જો હું મજૂરી કામ કરું તો મારું મોત નક્કી એવું કહીને ડોક્ટરે મને ઊંડી ચિંતાની ખાઈમાં નાખી દીધો ”
“ ઓહ્હ… ” શેઠને એના પર થોડી દયા આવી.
“ હા…અને મારે પરાણે ભીખ માંગવાનું ચાલુ કરવું પડ્યું. આ દુનિયા તો મતલબી છે. ….ઠીક છે શેઠ રામરામ…. ” કહીને ભગો ચાલતો થયો.
શેઠે જોયું કે ભગાએ જે કહ્યું તે એકદમ સાચું લાગતું હતું. તેની વાત તો દૂધમાં મલાઈ દેખાય તેવી સાચી માલુમ પડી. તેને દયા આવી, પણ વારસામાં મળેલ શિખામણ થકી તે મૂંગો મૂંગો એને જતો જોયે રાખ્યું. થોડી વાર થઇ કે તેમણે ભગાને ઉભો રાખ્યો.
“ અરે ભાઈ….તારે બીજાની દુકાને જવાની જરૂર નથી….અને તું ક્યાં મારી દુકાનમાં સુએ છે તે ચિંતા ”
“ ના ના શેઠ….હું તો…. ”
“ અરે ભાઈ એમાં ખોટું ના લગાડ….હું તો આ ચાલ્યો ઘરે….વસ્તુ લેવા આવેલો…તું તો ઘણાં સમયથી આ દુકાને સૂતો હઈશ ને ? ”
“ હા શેઠ, તમે દુકાન વધાવીને જાવ પછીજ ઓટલે આવીને સુઈ જાવ છું; પછી જતો રહું તો વળી રાત્રે આવી જાવ છું. ”
“તમારે બીજી કોઈ દુકાને જવાની જરૂર નથી….અને હું દુકાન મોડે સુધી ના વધાવું તો પણ અહીંયા આવી જજો ”
“ ઠીક છે શેઠ….ભગવાન તમારું ભલે કરે ! ”
શેઠ તો દુકાન વધાવીને ઘરે જવા નીકળી ગયા. ફરી ભગાએ પથારી કરીને દેહ આડો કર્યો. દેહમાં ખુબ પીડા થતી હતી પણ શેઠે એની સાથે વાત કરી એમાં તે પીડા ભૂલી ગયો. ઘણા વર્ષો બાદ આજે એનું દિલ ઘુઘવાટ કરવા લાગ્યું.
માન, સન્માન, ઈજ્જત, પ્રશંશા અને દિલાસો તો દરેક માનવ જીવ ઈચ્છતો હોય છે ! કોઈ મેણાં ટોણા મારે તો જીવ ને પીડા થાય. અને સારું બોલીને દિલાસો આપે તો મન નાચી ઉઠે. એમ જ ભગાને શેઠે કરેલી વાતો મલમ જેવી થઇ પડી.
પછી તો રોજે ભગો, દિવસે ભીખ માંગીને રાત્રે આવીને શેઠનાં ઓટલે સુઈ જાય છે. એમ ને એમ પાંચ છ વરહ નીકળી ગયા.
થોડા દિવસથી ભગાને લાગ્યું કે દુકાનના ઓટલા પર ધૂળ કેમ હોય છે  ? થોડા વધુ દિવસ એમને એમ નીકળી ગયા. પણ ભગાનો જીવ કેમ જાણે મુંજાતો હતો. હવે તો એની ઉત્સુકતા રીતસરની વધી ગઈ હતી. આથી એક દિવસ તે દુકાનો વધાવી લેવાનો સમય થાય ત્યાર પહેલા આવી ગયો. જોયું તો શેઠની દુકાન તો બંધ હતી. આથી તેને બાજુવાળાની દુકાને પૂછ્યું તો એ ભાઈએ એને છણકો કર્યો.
“ જા..ઓઈ…એ તને ભીખ આપતા હશે…..એની કીડનીઓ બગડી ગઈ છે. એ આવે ત્યારે ભીખ માંગવા આવજે ”
“ એમની કીડનીઓ ??? ” સાંભળીને ભગાને ખુબ આઘાત લાગ્યો…તે તો ત્યાંજ રાત આખી પડી રહ્યો.
એને કોણ દિલાસો આપે ? કોણ ઉઠાઠે ?
શેઠની બેઉ કિડની ફેઈલ હતી..પણ એક કિડનીનું દાન મળતા એમને નવજીવન મળ્યું. આંખો તો બંધ હતી પણ એમનાં કાન સરવા થયા.
“ એ કિડની આપનારો તો મરી ગયો…..એની એક કિડની તો ફેઈલ હતી અને બીજી કિડની આ ભાઈને દાન આપી દીધી…. ”
“ ઠીક છે એમની લાશ એમનાં ઘરવાળાને સોંપી દો હવે ”
“ એનું કોઈ નહોતું આ દુનિયામાં…એ તો ભગો ભિખારી ”
“ લાશને અનાથ ગણીને બાળવા માટે સ્મશાન મોકલી આપો.”
“ નહિ….એ અનાથ નથી…… ” બેડ પર સુતા સુતા પેલા શેઠે બુમ પાડી.
“  કોણ અનાથ નથી ?? ” નર્સે ઉભી રહેતા પૂછ્યું.
“ એ ભગો ભિખારી નથી પણ ભગુ દાતારી છે; મારા કાકા છે….એમને ઠાઠથી અગ્નિદાહ હું આપીશ ”
શેઠે લાગણી સભર આ કહ્યું ત્યારે આખી હોસ્પિટલનો સ્ટાફ એ ભગુ ભિખારીને વંદી રહ્યો.

SOURCE

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑