ઘમ્મર વલોણું-૩૩

જેની રાહ જોઈ જોઈને આંખો પણ ઊંડી ઉતરી ગઈ અને કાયા પણ કૃશ થઈ ગઈ. એવામાં આહકારા નખાઈ જાય તે તો સ્વાભાવિક જ છે. નાલેશી ભર્યું મન જ્યારે કશું પણ વિચારે તેમાં નકારાત્મક અભિગમ સિવાય બીજું શું વિચારી શકે ? રાહ જોવી તે મારી મજબૂરી હતી કે જીવનનો રાહ તે આજ સુધી નક્કી ના કરી શક્યો. મન લાંબુ વિચારે અને દિલ કોઈની રાહ જુએ એટલે કરુણતા નજીક આવે ખરી ! આવી પળોમાં મક્કમતા હજી છોડી નહોતી. દિલમાં ધરબાયેલો આત્મવિશ્વાસ હજી અકબંધ પડ્યો છે; એજ હુંફમાં તો બે પળો વધુ જીવી જાઉં છું.

કોઈના પગલાંના દૂરથી ધબકારા સંભળાયા કે મન એકદમ ઉત્તેજિત થઈને આંખને સતેજ કરી દે છે. સૂકા પાંદડાઓ ખખડતા માલુમ પડે કે વળી તે કાચબા જેમ સંકોડાઇ ને શાંત બની જાય છે. હવે તો પાંદડા હલે તો એ રસ્તા વેરાન માની લઉં છું. કોણ જાણે મારી રાહ જોવાની પળો ક્યારે ખતમ થશે ? બીજી રીતે કહું તો મારી આંખો એ રાહ જોવાતા પથ પર મીટ માંડીને જ બંધ થઈ જશે ?.

વળી દિલમાંથી એક ઉર આવ્યો “ રાહ જોવાની પળો ખતમ થાય કે બીજી પળો દિલને શાંતિ આપશે ? કે પછી રાહ જોવાના વિચારો ફરી નહીં સ્ફુરે ? ” સનનન કરતા તીર જેમ એ ભેદી વાક્યો અંગે અંગને વીંધીને આરપાર નીકળી ગયા. પળોનો રંગ બદલાઈ ગયો. એ વિશે વિચારવું કે વળી રાહ જોવામાં ડૂબી જવું ? એજ અવઢવમાં પોતાની હારને નજીક જોઈને મારે ઉભા રહેવા સિવાય કોઈ આરો નહોતો.

“નજરોને દૂર સુધી દોડાવીએ, એનો અર્થ એવો નહીં કે આપણે કોઈની રાહ જોતા હોય ” એવું કહીને કોઈ ઝડપથી પસાર થઈ ગયું. હજી તો હું એ શબ્દોને પારખવા કાન નરવા કરું તે પહેલા તો શબ્દો હવામાં વિલાઈ ગયા. વળી આંખોને જ કહ્યું કે; જોને કોણ આવું કહીને ગયું ? તો આંખોએ પણ કોઈ સારા રિપોર્ટ ના આપ્યા. આમતેમ જોયું તો ફરી એ આવાજ ગગનભેદી લાગ્યો “ બસ આમ જ રહી જઈશ ”

Source: ઘમ્મર વલોણું-૩૩

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑